માચીસ બાબતે બોલાચાલી બાદ ઝપાઝપીમાં પહેલા માળેથી નીચે પટકાતાં યુવકને માથામાં ગંભીર ઈજા: સારવાર દરમિયાન રાજકોટમાં મોત, આરોપીની ધરપકડ.
મોરબીના ટીંબડી પાટિયા નજીક સનલેક્ષ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે બે શ્રમિકો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ધક્કો લાગતાં એક શ્રમિક પહેલા માળેથી નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવમાં સાથી શ્રમિક સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં ટીંબડી પાટિયા પાસે આવેલા સનલેક્ષ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોનીમાં ગઈકાલ તા.૦૯/૧૧ના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં રવિન્દ્રકુમાર રામબદનરામ કકરહટા ગામ જી.આજમગઢ (ઉતરપ્રદેશ) અને તેની સાથે રહેતા અરવિંદ સત્યનારાયણ મસાને રહે.મુળ ગાગાહલ વોર્ડ નં-૦૬ તા.ગહલ જી.હરદા (મધ્યપ્રદેશ) હાલ રહે ટીંબડી પાટીયા પાસે સનલેક્ષ ફેબ્રીકેસન કારખાનાની લેબર કોલોની વાળા વચ્ચે માચીસ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારે કોલોનીના પહેલા માળે રૂમની બહાર આવેલી નાની ચાલી પાસે બંને વચ્ચે રકઝક અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન અરવિંદનો ધક્કો લાગતાં રવિન્દ્રકુમાર નીચે ભોયતળિયે પટકાયો હતો, જેના કારણે તેના માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ બાદ ઇજાગ્રસ્ત રવિન્દ્રકુમારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મૃતકના બનેવી વિશ્વજીત હરીહરપ્રસાદ કુમાર રહે.હાલ વેલેન્ઝા સીરામીક લેબ૨ કોલોનીમા વિરાટનગર સામે રંગપર ગામ તા.જી.મોરબી મુળ રહે.કોઠીયાગામ તા.મહમદાબાદ જી.મઉ (ઉતરપ્ર દેશ) વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી અરવિંદ સત્યનારાયણ મસાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ હેઠાક ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






