તાઉતે વાવાઝોડાએ ઉના, ગીર સોમનાથ, ભાવનગર, મહુવા અને રાજુલા સહિતના વિસ્તારમાં તબાહી મચાવી છે ત્યારે હજુ પણ આ વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત ન થતા ખાસ કરીને ઉના અને ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સ્થિતિ ખુબજ દયાજનક બની છે ત્યારે વાવાઝોડા અસરગ્રસ્ત આ વિસ્તારમાં મોરબીની સેવાભાવી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ રાશનકીટ અને જનરેટર સેટ સાથે મદદે પહોંચી ધારીના ગ્રામ્ય વિસ્તારો અને ગીર જંગલમાં આવેલ નેસડામાં સેવા કાર્યોમાં કામે લાગી છે.
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલમાં રાજ્યભરમાંથી મદદ મળી રહી છે પરંતુ ખાસ કરીને ધારી અને ઉના તાલુકાના દુર્ગમ અને અંતરીયાળ ગામડાઓમાં તેમજ ગીર જંગલના નેસડાઓમાં હજુ પણ સેવાભાવી સંસ્થાઓ પહોંચી શકી ન હોય લોકો અત્યંત મુશ્કેલીભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે શનિવારે મોરબીની સેવાભાવી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ ધારીના અને જંગલના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૫ હોર્સ પાવરના હેવી જનરેટર સેટ અને ૭૦૦ રાશનકીટ સાથે પહોંચી વધુ અસરગ્રસ્ત ગામોમાં રાશનકીટ વિતરણ કરી જનરેટર સેટ વડે ગ્રામ્યલોકોને પીવા અને વાપરવાના પાણીની વ્યવસ્થા કારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ધારીની સિવિલ હોસ્પિટલ, પોલીસ લાઈન, તેમજ વિવિધ ગ્રામ પંચાયત સહિતના વોટર સપ્લાય પોઇન્ટે ટેક્નિકલ ટિમો સાથે જનરેટર સેટ લઈને વીજ પુરવઠો પૂરો પાડી પાણી સપ્લાય શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધારીના છેવાડાના પછાત ગામોમાં સોઢાપરા, આબાગાળા જેવા અનેક દુર્ગમ ગામોમાં અને નેસડાઓમાં રાશન કીટ વિતરણની સાથે મેડિકલ ટીમ સાથે જરૂરી લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમને દવાઓ પણ આપવામાં આવી હતી. અને ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વધુ જનરેટર સેટ અને રાશન કિટની જરૂરિયાતને ધ્યાને લઇ વધુ જનરેટર સેટ અને જરૂરી સામગ્રી માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરેલા સેવા અભિયાનમાં સ્થાનિક તંત્ર, મામલતદાર તેમજ સ્થાનિક આગેવાનો વિપુલભાઈ રબારી, અરુણભાઈ વેગડા, શરદભાઈ કંસારા, રવિભાઈ, સુરેશભાઈ સહિતના લોકો મદદ માટે જોડાયા છે.