કોરોના મહામારીનું સંક્રમણ વધતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહિનામાં લગાવામાં આવેલા લોકડાઉનને કારણે મોટા ભાગના ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. જેના કારણે અનેક કારખાનાં હાલ બંધ છે અથવા બંધ થવાની સંભાવનાને પગલે ધીમી ગતિએ ચાલી રહ્યા છે.વધતી બેરોજગારી અને ધંધામાં નુકસાન થવાથી લોકો નાસીપાસ થઈ આપઘાત તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ ધંધો બરાબર ન ચાલવાને કારણે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ખાખરાળા ગામના મહેશભાઇ નારણભાઇ વડાવીયાએ પ્રોપેન ગેસ પ્લાન્ટના કામકાજનો ધંધો ચાલુ કર્યો હતો પણ લોકડાઉન બાદ બરાબર ચાલતો ન હોય અને ધંધામાં કોઇ વધારો ન થતો હોય અને નુકશાન રહેતુ હોય જેથી થોડાક દિવસથી ગુમ સુમ રહેતો હોય જેથી તેને મનોમન લાગી આવતા પોતાની જાતે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું, બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.