બે વર્ષ બાદ યોજાનાર જાહેર લોકમેળામાં વિનામૂલ્યે એન્ટ્રી, ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
મોરબી : મોરબીવાસીઓ વિનામૂલ્યે એન્ટ્રી સાથે ભવ્ય ગ્રાઉન્ડમાં તમામ વ્યવસ્થા સાથે મોકળા મને જન્માષ્ટમીનો મેળો માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ વ્હારે આવીને લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપી તમામ વર્ગના લોકો હળીમળીને મેળાની મનભરીને મોજ લૂંટી શકે એવું આયોજન ગોઠવ્યું છે. ખાસ કરીને કોરોના કાળના બે વર્ષ બાદ મોજીલા મોરબીવાસીઓ આ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત એકમાત્ર જાહેર જન્માષ્ટમીનો લોકમેળો માણી શકશે. તમામ મોરબીવાસીઓ અને આસપાસની તમામ ગ્રામ્ય જનતાનો આ પોતાનો લોકમેળો આવતીકાલ બુધવારથી ખુલ્લો મુકાશે.
મોરબીવાસીઓ માટે સકારાત્મક લોક ઉપયોગી કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપનો લોકમેળો એકદમ જાહેર લોકમેળો છે. આ મેળામાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી રાખવામાં આવી નથી. મેળામાં જે પણ રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતની તમામ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળશે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે.
કોરોના કાળના બે વર્ષ પછી આ વખતે જન્માષ્ટમીમાં લોકમેળાની છૂટ મળી છે. પરંતુ આ વખતે તંત્ર દ્વારા લોકોમેળાનું આયોજન થયું ન હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપ મોજીલા મોરબીવાસીઓની વ્હારે આવ્યું છે. આમ પણ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ લોકમેળાનું આયોજન થાય છે અને મોરબીવાસીઓ આ જાહેર લોકમેળાને દિલથી માણે છે. તેથી આવતીકાલે તા.17 ઓગસ્ટથી બુધવારે મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં જન્માષ્ટમીનો જાહેર લોકમેળો શરૂ થઈ રહ્યો છે. મેળામાં પ્રવેશ એકદમ ફ્રી છે. બે વર્ષ બાદ યોજનાર જાહેર લોકમેળામાં વિનામૂલ્યે એન્ટ્રી, ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
લોકમેળામાં આવતા બાળકો બહેનોની સલામતી માટે સીસી ટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ, લોકમેળાને વિમાકવચ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયં સેવકો સતત મેળામાં બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરતા રહે છે. આ ઉપરાંત ફ્રી વાઈ ફાઈ ઝોન પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રિષ્ના લોકમેળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રોગ્રામો રજુ કરી ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ સ્ટેજ પરથી રજુ થાય છે, અન્ય મેળાઓમાં સંસ્કૃતિ લોપાય તેવા સ્ટોલ હોય છે જ્યારે આ મેળામાં એવા સ્ટોલ પણ ભાડે આપવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો માટે કાયમી નાના મોટા કાર્યક્રમો યોજતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળામાં પણ આવા વંચિત બાળકોનો ખ્યાલ રાખવામાં આવે છે અને એક દિવસ માટે બાળકોને મનગમતી તમામ રાઈડ્સમાં વિનામૂલ્યે મનોરંજન કરાવવામાં આવે છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લાની જાહેર જનતાને ક્રિષ્ના લોક મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.