માળીયા(મી)ના સરવડ ગામ નજીક જુના દેરાણા ગામ જવાના સિંગલ પટ્ટી રોડ ઉપર અર્ટિગા કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડે ચલાવી બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈક ઉપર સવાર માતા-પુત્ર બંને નીચે પટકાયા હતા. જેમાં બંનેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા(મી)ના જુના દેરાળા ગામે રહેતા ફરજાનાબેન તથા તેમનો પુત્ર શાહનવાઝ બાઈક રજી. જીજે-૩૬-એમ-૦૯૭૫ ઉપર સરવડથી જુના દેરાળા ગામ જતા હોય ત્યારે સિંગલ પટ્ટી રોડ ઉપર અર્ટિગા કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી સામેથી આવતા બાઇકને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બંને માતા-પુત્ર રોડ ઉપર પટકાતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ફરજનાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે તેમનો પુત્ર શાહનવાઝને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડતા જ્યાં તેનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે માતા-પુત્રના અકસ્માતમાં અકાળે મોત નિપજતા પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. હાલ મૃતકના કાકા દ્વારા આરોપી અર્ટિગા કાર ચાલક ઉસમાનખા હીસમતખા ખોરમ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.