મોરબીમાં નજીવી બાબતે માથાકૂટ થવાના તથા મારામારી થઈ હોવાના બનાવો વધી રહ્યા છે. અને અસામાજિક તત્વો જાણે શહેરની શાંતિ ભંગ કરવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે મોરબીમાં ગટર ઉભરાવા જેવી નજીવી બાબતે થયેલ બબાલમાં માતા-પુત્રને મારી નાખવાની ધમકી મળી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં નલવખી રોડ લાયન્સનગર શીવ આરાધના એપાર્ટમેન્ટ પ્રથમ માળે બ્લોક નં.૨૨ ખાતે રહેતા લીનાબેન શૈલેષભાઇ રાવલ નામના પરિણીત મહિલાને તથા રાજુભાઇ હિતેશભાઇ રબારી (રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર તથા મોરબી વાવડી રોડ) નામના આરોપીના રહેણાંક નજીક નજીક આવેલ હોય ત્યારે ફરિયાદી પરિણીતા રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશનુ ગંદુ પાણી ગટર ઉભરાતા બહાર રોડ પર નીકળતા જે બંધ કરવા બાબતે રાજુભાઇએ મહિલા સાથે ઝઘડો કરી ગાળો બોલી ઝપાઝપી કરી પછાડી દઇ મહિલાને ડાબા પગે ઢીંચણ પર પગથી પાટુ મારી ઢીંચણના હાડકામાં ફેક્ચર કરી મહિલા તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે લીનાબેન શૈલેષભાઇ હિંમતભાઇ રાવલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.