મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચંદુભાઈ સિહોરા ઉપ પ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા અને કારોબારી ચેરમેન પદે જયંતિભાઈ પડસુમ્બિયા
મોરબી : આવતીકાલે સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખપદે ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના નામ ફાઇનલ થયા હોવાની વિગતો સાંપડી રહી છે.
મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાતા 14 બેઠકો ઉપર જીત મેળવી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે પંચાયત અધિનિયમ મુજબ આવતીકાલે સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાનાર હોય ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભર્યા હતા.
વધુમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હળવદ તાલુકાની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ છગનભાઇ સિહોરા, ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્રનગર બેઠક ઉપરથી ચૂંટાયેલા જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કારોબારી ચેરમેન તરીકે શકત શનાળા બેઠક ઉપરથી ચૂંટાયેલ જયંતીભાઈ પડસુમ્બિયા, દંડક તરીકે ત્રાજપર બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા હીરાભાઈ ટમારીયા અને શાસકપક્ષના નેતા તરીકે વાંકાનેર તાલુકાની રાતીદેવડી બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા ઝાહિર અબ્બાસ યુસુફભાઇ સેરસીયા ફાઇનલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે વિધિવત ચૂંટણી બાદ તમામ હોદેદારો પોતાનો પદભાર ગ્રહણ કરશે.