મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી મેચ પર સટ્ટો અને તીન પત્તીનો જુગાર રમતા નવ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે રવાપર ગામના ઝાપા પાસે શંકાસ્પદ હિલ ચાલી કરી રહેલ હરેશભાઈ રણછોડભાઈ ફેફર (રહે. શ્રીજી હાઈટ્સ ફ્લેટ નં.૪૦૪ બોનીપાર્ક રવાપર રોડ મોરબી મુળ રહે જબલપુર તા.ટંકારા જી મોરબી) નામના શખ્સને અલીભાઈ (રહે.મોરબી) સાથે ફોન ઉપર વાતચીત કરી TATA IPL ટી-20 માં PBKS અને RR ટીમો વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડ્યો હતો. તેમજ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂ.૬૬૦/-તથા કુલ રૂ.૬૦૦૦/-ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬૬૬૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે અલીભાઈ નામના શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, બેલા ગામની સીમમાં આવેલ લોડઝ હોટલ પાસે બે શખ્સો ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સુલતાન હુસેનભાઇ જીંગીયા (રહે. વીસીપરા, તા.જી.મોરબી) તથા અબ્દુલ હુસેનભાઇ જીંગીયા જાતે.મિયાણા ઉ.વ.૨૭, ધંધો-મજુરી, રહે. વીસીપરા, તા.જી.મોરબી) નામના શકુનિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૮૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર રાતીદેવળી રોડ જસદણ સીરામીકની પાછળ રેઈડ કરી જાહેરમાં તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા વજુભાઈ દેવશી ગુગડીયા (રહે-વાંકાનેર પેડક સોસાયટી જી.મોરબી), રજનીભાઈ સરજુદાસ રામાવત (રહે-વાંકાનેર પેડક સોસાયટી જી.મોરબી), પ્રભુભાઈ ભીમજીભાઈ મકવાણા (રહે-વાંકાનેર પેડક સોસાયટી જી.મોરબી) તથા રતીલાલભાઈ ગોવિંદભાઈ વોરા (રહે-વાંકાનેર પેડક સોસાયટી જી.મોરબી) નામના કુલ ૪ ઈસમોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૭૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માટેલ,શીતળાધાર ખુલ્લી જગ્યામાં બે ઈસમો તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દીનેશભાઇ અરજણભાઇ સાકરીયા (રહે. હાલ-માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) તથા રણછોડભાઇ જેસીંગભાઇ વીંઝવાડીયા (રહે.માટેલ,શીતળાધાર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂપીયા-૧,૮૦૦/- નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.