ભાજપના પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીકા ટીપાણીઓ મામલે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
વવાણીયા ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે સમસ્ત “ક્ષત્રિય સમાજ વવાણીયા” વિરોધ કરીએ છીએ કે જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ વવાણીયા ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ ને એમના માટે અમારા બાપ દાદાએ આપેલા લિલેરા માથાના બલિદાનનો ઇતિહાસ છે. માટે જો રૂપાલાની ટિકીટ રદ ન થઇ તો અમે સમસ્ત વવાણીયા ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ મતદાન કરીશું. તેમ વવાણીયા ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી.