મોરબીની “SHE TEAM” દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM” પાસે મદદની ગુહાર લઈને આવેલ એક માતાના બે બાળકોની શાળાની ફી ભરવા માટે “SHE TEAM” દ્વારા મદદ કરવામાં આવી હતી. “SHE TEAM”ના કર્મચારીઓએ શાળા આચાર્યને મળી માતાને ફીમાં મહત્તમ રાહત અપાવી પોતે તથા સામાજિક કાર્યકરો પાસેથી રૂપિયા એકત્ર કરી બાળકોની શાળાની ફિ ભરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.એ. દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા પોતાના બે બાળકો મોરબી જ્ઞાનઝયોત શાળા તથા શ્રેયસ વિધાલય હાઉસીંગ સોસાયટી પાસે આવેલ તેમાં અભ્યાસ કરતા હોય અને કોરોના રોગચાળાના કારણસર છેલ્લા ૨ વર્ષથી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણસર સ્કૂલની કુલ રૂ.૨૮,૦૦૦/- જેટલી ફિ ભરી શકતા ન હોય અને પોતાના બાળકોનું અભ્યાસમાં ભવિષ્ય બગડે નહીં જે માટે પોલીસ મદદ મળે તે હેતુથી પોલીસ સ્ટેશને આવતા પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમ ને સુચના કરતા શી ટીમના કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજાએ અરજદાર મહિલાને સાંભળી બાદમાં સ્કુલના પ્રિન્સીપલ જયોતિબેન પી. સોલંકીને મળી મહિલાને બને તેટલા મદદરૂપ થવા વિનંતી કરી શાળાના પ્રિન્સિપાલએ માનવતા દાખવી ફિ માં રૂ.૧૨,૦૦૦/- નો ધટાડો કરી આપતા બાકીના ફીના રૂપિયા બાબતે કોન્સ્ટેબલ કિર્તીસિંહએ મહિલાના સમાજના આગેવાનો તુલસીભાઇ ચતુરભાઇ પાટડીયા તથા વિપુલભાઇ રમેશભાઇ ગણેશીયાને મળી રૂ.૮,૦૦૦/- નો સહયોગ મેળવી તેમજ બાકીના રૂ.૨,૦૦૦/- મોરબી સીટી બી ડીવી શી ટીમના સભ્યોએ મદદ કરી તેમજ અરજદાર મહિલાએ રૂ.૪,૦૦૦/- ભરવા તૈયારી બતાવતા કુલ ફિ.રૂ.૧૪,૦૦૦/- સ્કુલમાં ચુકવી આપી બે બાળકોનું શિક્ષણ જીવન બચાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બે બાળકોનું શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ રહે તેમાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા સાંપડી છે.