મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મારામારી સહિતના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમુક અસામાજિક તત્વો જિલ્લાની શાંતિને હણવાનો પૂરેપૂરો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અને આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરતા જાય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક જૂની અદાવતના કારણે ચાર શખ્સોનું ટોળું એક યુવક પર તૂટી પડ્યું હતું. જેમાં યુવક ઇજાગ્રસ્ત થતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર,વિજય કાનજીભાઇ મેમકીયા નામના 22 વર્ષીય યુવકની થોડા સમય અગાઉ તેના ગામ જુના જશાપરમાં બાથા ઘુઘાભાઇ જોગરાણા સાથે ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખી બાથાભાઈ તેના સાથી સામત ઘુઘાભાઇ જોગરાણા, ગોપાલ ગભુભાઇ જોગરાણા અને અજુ કાળુભાઇ જોગરાણા સાથે વિજયભાઈ પાસે ઘસી આવ્યા હતા. અને ફરિયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો ભાંડવા લાગ્યા હતા. તેમજ ફરિયાદીને ટીકા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામત નામના આરોપી લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં માર મારતા ફેક્ચર આવ્યું હતું તેમજ બાથા નામના શખ્સ દ્વારા હુમલો કરાતા ફરિયાદીને ડાબા હાથના કાંડામાં ફેક્ચર આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વિજયભાઈ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.