દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગા દિવસના કાર્યક્રમને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા કલેકટર દ્વારા સલંગ્ન વિભાગોને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક સાહસિકો, નગરજનો તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના તમામ અધિકારી,કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં મોરબી જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉપરાંત મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે તેમજ વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકાકક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજાશે. જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમ સાથે ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજમાં, તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ યોગ દિવસ નો કાર્યક્રમ યોજાશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મૂછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતા મેર, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ(આઈપીએસ), પ્રાંત અધિકારીઓ ડી.એ.ઝાલા, એમ.એ. ઝાલા, એ.એમ.શેરસિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, મુખ્ય તબીબી અધિકારી કે.આર.સરડવા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.