વાંકાનેરના જીનપરા વિસ્તારમાં મોબાઇલ ફોનમાં અન્ય ગ્રાહક સાથે આઇપીએલ ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચના રનફેરનો જુગાર રમતા એક શખ્સને મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે સમગ્ર ક્રિકેટનો સટ્ટો રમાડતા મુખ્ય આરોપી તથા મોબાઇલ ફોનમાં રનફેરનો જુગાર રમતા શખ્સો એમ કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ બંને શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેરના જીનપરા શેરી નં.૧૧માં દરોડો પાડી વર્તમાનમાં ચાલતા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનમાં રનફેરનો જુગાર
રમતા આરોપી નીતિનભાઇ રસીકભાઇ વીંજવાડીયા ઉવ.૨૪ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૧ને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ ૫,૫૦૦ મળી કુલ રૂ.૧૦,૪૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ સાથે મોબાઇલ ફોનમાં સામે છેડે રનફેરનો જુગાર રમતો મોબાઇલ નં.૭૮૭૪૬ ૮૧૫૫૦ ધરાવતો આરોપી તથા સમગ્ર ક્રિકેટ સટ્ટાનો મુખ્ય આરોપી ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા રહે.વાંકાનેર આસ્થાગ્રીન સોસાયટી મુળરહે.વઘાસીયા તા.વાંકાનેર દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તે બંનેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.