રાજ્યમાં યમદૂત બનીને ફરતા ટ્રક ચાલકો દ્વારા વધુ એકનો ભોગ લેવાયો છે. મોરબીનાં ખોખરા હનુમાન રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રન સહિતની ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં બેલાગામના તુલશી પેટ્રોલપંપ ખોખરા હનુમાન રોડ ખાતે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમભાઈ લાલસિંહ ચૌહાણ ગત તા.૦૭/૦૩/૨૦૨૩નાં રોજ રાત્રીના સમયે બેલા ગામના ખોખરા હનુમાન રોડ પાવરહાઉસ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી અજાણ્યા આઈસર ટ્રકના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી નરેન્દ્રસિંહની GJ-03-AC-1609 નંબરની મોટરસાઇકલને હડફેટે લેતા નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઈજા થતા તેમજ શરીરે ઈજા થતા સ્થળ પરજ તેમનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી તેનું આઈસર ટ્રક લઇ ત્યાંથી ભાગી જતા મૃતકનાં ગામમાં જ રહેતા કુપસિંહ ડુંગરસિંહ ચૌહાણે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.