મોરબીના વોર્ડ નં.૦૫ માં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરીમાંથી ગંદકી ગંજ દૂર કરવા માટે અનેક વાર વોર્ડ નં.૦૫ ના કાઉન્સિલરો ને રજુઆત કરવામાં આવી હતી છતાં પણ સમસ્યા નો ઉકેલ ન આવતા અંતે શહેરના સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરી છે.મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા , જગદીશભાઇ બાંભણીયા , અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ સહિતનાઓએ રજુઆતમાં જણાવ્યું કે મોરબી શહેર ના સૌથી ગીચ વિસ્તારમાં આવેલા વોર્ડ નં.૦૫ જેમાં ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણી શેરી, કંસારા શેરીમા ઠેર ઠેર ગંદકીના થર જમ્યા છે. એકાદ માસથી સફાઈ કામ રગડધગડ ચાલતું હોવાથી વિસ્તારવાસીઓ પરાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ અંગે રજુઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. વધુમાં ચૂંટણી વખતે મત માટે કામ કરનારા જવાબદાર કોર્પોરેટર પણ હવે આ અંગે જવાબ ન આપતા હોવાની રાવ ઉઠી છે.વેરો ઉઘરાવવા દોટ મુકતું તંત્ર આ સુવિધામાં આળસ કરતું હોવાથી લોકોમાં રોષ ઉઠી રહ્યો છે.આ અંગે યોગ્ય સૂચન કરી ગંદકીથી ખદબદતા વિસ્તારને ચોખ્ખા ચણક કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠી છે.મોરબી ના વોર્ડ નં.૦૫ માં અમુક વિસ્તારો માં રોજ સાફ સફાઈ થઈ રહી છે જ્યારે અન્ય વિસ્તારો સાથે અન્યાય કરી ને ત્યાંના રહીશો ને ગંદકી માં રહેવાનો વારો આવે છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે કાઉન્સિલરો પોતાના વોર્ડ માં પણ પોતાના જ ગણાતાં વિસ્તાર ને જ મહત્વ આપે છે કે શું? કે પછી મત ઓછા મળ્યા હોય ત્યાં સબક શીખડાવવવા માટે ?કે અધિકારીઓ આવે ત્યારે તેઓને ચોખાઈ દેખાડવા માટે જ અમુક વિસ્તાર ની જ સફાઈ કરાવવામાં આવે છે ?આવા પ્રશ્ન તો ઘણા ઉદભવે છે જેનો જવાબ પણ કામ કરી ને તંત્ર જ આપી શકે એમ છે.