‘હું જનકભાઈનો ભાણેજ અને PSIનો સગો ભાઈ છું’ કહી ધમકી, ચાર શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ.
મોરબીના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલપંપમાં કાર આગળ લેવાનું કહેવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં ફિલરમેન યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકે નોંધાઈ છે. કાર ચાલકે લાકડાના ધોકાથી યુવકના માથામાં ઘા માર્યો હોવા ઉપરાંત જાતિ પૂછી અપમાનજનક ગાળો આપી ધમકી આપી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વીસીપરામાં વિજયભાઈનગર વિસ્તારમાં રહેતા યુવરાજભાઈ દિલીપભાઈ પરમાર ઉવ.૧૮ વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલપંપમાં ફિલરમેન તરીકે નોકરી કરે છે. ગત તા.૨૯ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે સવા નવ વાગ્યે વર્ના કાર રજી.નં. જીજે-૦૪-ડીએ-૫૧૫૨ પેટ્રોલ પુરાવવા આવી હતી. ત્યારે કારની ટાંકી સુધી નોઝલ પહોંચતી ન હોવાથી યુવરાજભાઈએ ચાલકને કાર આગળ લેવા કહેતાં ચાલકે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ થોડા સમય બાદ કાર ચાલક આરોપી જયભાઈ ભરતભાઈ રાબા તથા અન્ય ત્રણ શખ્સો રાજભાઈ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ બધા રહે.મોરબી વાળા સાથે પેટ્રોલપંપ પર પરત આવ્યો હતો.
આ દરમિયાન આરોપી જયભાઈએ હાથમાં રહેલા લાકડાના ધોકાથી યુવરાજભાઈના માથામાં ઘા મારતાં તેમને ઈજા થઈ હતી. ત્યારે ફરિયાદી યુવરાજભાઈને આરોપીએ જાતિ અંગે અપમાનજનક ગાળો આપી ઉપાડી જવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી જયભાઈએ પોતે ‘જનકભાઈનો ભાણેજ અને PSIનો સગો ભાઈ’ હોવાનું કહી ધાક-ધમકી આપી હતી. બનાવ બાદ યુવરાજભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે યુવરાજભાઈ પરમારે ચારેય શખ્સો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ, એટ્રોસિટી એક્ટની કલમ તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






