૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક-માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી કરશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ પીએમ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીનાં કર કમલથી ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.