મોરબીના હળવદ રોડ પરના નીચી માંડલ ગામથી આગળના લીંબોચ કારખાના પાસે રોડ ઉપરથી રાહદારી નશેરભાઇ ભવાનભાઇ બારોટ (રહે.શકિત ચેમ્બર પાછળ, ઉમિયાનગર મોરબી -૨)ને આશરે 10 વર્ષનો બાળક બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇને જાણ કરી બાળકનું નામઠામ પુછતા પરેશ યોગેશભાઇ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી પોલીસે બાળકિશોરને સાથે રાખી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગામડાઓમાં જઇ ગામો બતાવતા કોઇ માહિતી મળી ન હતી. જેથી ગુગલ મેપની મદદ લઇ મોરબીની આજુબાજુના ગામના નામ લઇ સંભળવાતા ટંકારાના ગૌરીદળ ખાતે બાળકના નાના નાની બાબુભાઇની વાડીએ રહેતા હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે ગામના રમેશભાઇ ગજેરાનો સંપર્ક કરી જયતીભાઇનો સંપર્ક કરતા પરેશ તેનો ભાણેજ થતો હોય અને તેના પિતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકા (રહે.પાંડાતીય ગામ, તા.હળવદ, જી.મોરબી મુળ રહે.સરઘઇ ગામ નિશાળ ફળીયુ, તા.બોડેલી જી.છોટાઉદેપુર) વાડીએથી ગુમ થયાનું જાણવા મળ્યું હતું.જેને પગલે વીડીયો કોલથી ખરાઇ કરાવતા પરેશ તેના પિતાને ઓળખી જતા બાળકના માતા – પિતાને મોરબી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થયેલ બાળકિશોર પરેશભાઇ યોગેશભાઇ ઉકેરભાઇ નાયકાને તેના પિતાને સોંપ્યો હતો આથી પરીવારમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. આ કામગીરી દરમિયાન પીએસઆઇ ડી.વી.ડાંગર, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર, કોન્સ્ટેબલ પિયુષભાઇ બકુત્રા તથા સંતોષદાન એફ.ગઢવી સહિતના હાજર રહ્યા હતા.