મોરબીની એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે ધારાસભ્યએ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ રજુઆત કરી.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ તત્કાલીન રાજવીએ પોતાનો પેલેસ આપીને તેમાં વર્ષ ૧૯૫૧ દરમિયાન ઈજનેર કોલેજ ચાલુ કરાવી હતી. આ એલ.ઇ. કોલેજ જે તે વખતે દેશની ૧૦ ઈજનેરી કોલેજો પૈકીની એક ગણાતી હતી. પરંતુ હાલ આ એલ.ઇ. કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે. જેથી એલ ઇ. કોલેજનું રીનોવેશન કરવું ખૂબ જરૂરી છે. આથી આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ કે જે લેન્કો પરિવાર તરીકે કાર્યરત છે તે ગ્રુપનાં વિનોદભાઈ રાડદિયા, એન. આર. હુંબલ, ગોવિંદભાઈ પ્રજાપતિ, નારણભાઈ ઘાડીયા, વલ્લભભાઈ વાછાણી, હસમુખભાઈ ઉભડિયા, ઈંદ્રવિજયસિંહ જાડેજા, માધવજીભાઈ રબારા વગેરેને સાથે રાખીને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈને એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ આ બાબતે ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી.