વાંકાનેરના લુણસર ગામે રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ માત્ર એક જ ડોઝ લીધો હોય છતાં બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો અને સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થઇ રહ્યું છે
કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં રસીકરણ અભિયાનમાં છબરડો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કાન્તીભાઈ છગનભાઈ વસીયાણી, મુકેશભાઈ છગનભાઈ વસીયાણી, સવિતાબેન કાન્તીભાઈ વસિયાણી અને હંસાબેન મુકેશભાઈ વસીયાણી એમ પરિવારના ચાર સભ્યોએ લુણસર પીએચસી ખાતે ગત તા. ૨૫ માર્ચના રોજ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જોકે બાદમાં બીજો ડોઝ લેવાનો બાકી હોય ગઈકાલે તા. ૨૭-૦૫ ના રોજ રસીનો બીજો ડોઝ લઇ લીધાના મેસેજ આવ્યા હતા જોકે પરિવારના ચાર પૈકી એકપણ સભ્યે રસીનો બીજો ડોઝ લીધો ના હતો. આ મામલે લુણસર પીએચસીના જાવેદભાઈનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સોફ્ટવેરની ટેકનીકલ પ્રોબ્લેમ હોઈ શકે જેનું તેઓ નિરાકરણ કરી આપશે. પરંતુ અહિં સવાલ એ છે કે મેસેજ આવ્યો કેમ? ઉલ્લેખનિય છે કે પરિવારે બીજો ડોઝ લીધો ન હોવા છતાં પણ બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો છે અને સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થઇ રહ્યું છે.