હાલ સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ રસીકરણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાનાં હળવદ તાલુકામાં રસીકરણ કામગીરીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. સરકારનાં નિર્ણય મુજબ હાલ સમગ્ર રાજ્યમાં સેન્ટર પર જ રજીસ્ટ્રેશન કરી લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે રસી મુકાવવા માટે લોકો વહેલી સવારથી રસી લેવા લાંબી લાઇનો લગાવી ઉભા રહે છે. છેલ્લા પાંચ દિવસથી લોકો રસી માટે ધરમના ધક્કા થાય છે અને સવારે ૬ વાગ્યા થી રસી લેવા માટે લાઇન મા ઊભા રહેવા છતાં ૧૦ વાગ્યા સુધી વારો આવતો નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. સિનિયર સિટીઝનો છેલ્લા ત્રણ દિવસથી ધરમધક્કા ખાઇને તડકામાં શેકાઈ રહ્યા છે છતાં તેમનો વારો આવતો નથી. હળવદ સરકારી હોસ્પિટલ ખાતે રસીકરણ માટે ભારે ભીડ જોવા મળે છે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળે છે. ત્યારે ભીડના કારણે રસીની સાથે લોકો કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જાય છે.