સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામે રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી 7 કિલો 160 ગ્રામ પોશડોડા, કિંમત રૂ.1,07,400ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમ દ્વારા ગેરકાયદેસર NDPS પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે લીંબડી DYSP વી.એમ. રબારીને જાણ કરી કોટડા ગામે આંગણવાડી પાસે આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન અમરાભાઇ હરસુરભાઇ વાળા (રહે. કોટડા, તા. સાયલા) ના રહેણાંક મકાનમાંથી પાસ-પરમીટ કે આધાર વગરનો વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડા 7.160 કિલો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,07,400નો મુદ્દામાલ કબજે કરી અમરાભાઇ વાળાની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આ જથ્થો બિપીન ગોર (રહે. સુદામડા, તા. સાયલા) પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ લીંબડી DYSP વી.એમ. રબારીની ફરિયાદના આધારે ધજાળા પોલીસ સ્ટેશન ખાતે NDPS સંબંધિત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી રાજકોટ રેન્જના PSI પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને એ.વાય. ઉધાસ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






