ગુજરાતમાં કચ્છના જખૌ નજીક આજે રાત્રિના સમયે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાય એવી શક્યતા છે. હવામાન વિભાગના મતે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે પવનની ગતિ 100થી 125 કિલોમીટરની હોઈ શકે છે. ત્યારે મોરબી જિલ્લામાં વાવઝોડાની અસરતળે બપોરથી ઘડીક તડકો તો ઘડીક વરસાદની જેમ વારંવાર વરસાદી ઝાપટા પડ્યા છે અને આજે સાંજે 4થી 6 દરમિયાન મોરબી જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને પગલે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાઈ થયા હતા. જેને લઈ મોરબી જિલ્લા પોલીસની રોડ ઓપનિંગ ટીમ પણ દોડતી થઈ હતી.
મળતી માહિતી અનુસાર, બીપરજોય વાવાઝોડા અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અન્વયે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં રેસ્ક્યુ ટીમ તેમજ રોડ બ્લોક થાય તો કલીયર કરવા માટે રોડ ઓપનિંગ ટીમ અલાયદી રાખવામાં આવી છે. ત્યારે આજરોજ વાવાઝોડા દરમ્યાન આમરણ ગામ ખાતે રોડ ઉપર ઝાડ પડી જવાથી રોડ બ્લોક થઇ જતાં તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસની રોડ ઓપનિંગ ટીમ દ્વારા રોડ પર પડેલ ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.