જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના ખેડૂતોને ૧૨ લાખ રૂપિયાની સહાય તેમજ મંજૂરીના હુકમો એનાયત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડ ખાતે તા.૨૮ ડિસેમ્બર, મંગળવારના રોજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને કિસાન પરિવહન યોજના, ટ્રેકટર સહાય યોજના, પાક સંરક્ષક યોજના, છત્રી સહાય, ગાય આધારિત ખેતી સહાયના હુકમો, કિસાન ક્રેડિટ કાર્ડ, સ્માર્ટ ફોન યોજનાની મંજૂરીઓના હુકમો, ૧૨ લાખ રૂપિયાની સહાય ખેડૂતોને અગ્રણીઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે જેના પરિણામે આજે ગુજરાતનો ખેડૂત સુખી સંપન્ન થયો છે અને ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. ચંદુભાઇએ ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને માનવજાતમાંથી અસાધ્ય રોગોને દૂર કરવા ખેડૂતોને પોતાનું યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરી એક્સપોર્ટ ક્વોલીટીના પાકના ઉત્પાદન અંગે માહિતગાર કર્યા હતા.
પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત અને ખેડૂત અગ્રણી દાજીભાઇ ગોહિલે સજીવ, પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતીના ફાયદાઓ વર્ણવી ખેડૂતોને ઝીરો બજેટ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આત્મા દ્વારા શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પણ ઉપસ્થિત અગ્રણીઓ અને મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે સજીવ ખેતી સહિતના વિષયો પર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, પ્રવિણભાઇ સોનગરા, હંસાબેન પારધી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જયંતભાઇ પડસુંબીયા, ચંદ્રીકાબેન કડીવાર, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતા મેર, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ સીણોજીયા, મદદનીશ ખેતી નિયામક રામોલીયા, કાર્યપાલક ઇજનેર ચોધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.