સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયાએ જાહેર મંચ પરથી રૂ.૩૦.૬૦ લાખના નફાનો હિસાબ આપ્યો: બાકીના રૂ.૨.૬૦ લાખ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓની અભ્યાસ ફી માટે વાપરવાની જાહેરાત.
મોરબીના રવાપર રોડ પર આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિના નફામાંથી ૨૮ શહીદ પરિવારોને રૂ.૧-૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આયોજક અજય લોરિયાએ જાહેર મંચ પરથી હિસાબ રજૂ કરી બાકીના રૂ.૨.૬૦ લાખ પિતા વિનાની દીકરીઓના શિક્ષણ માટે વાપરવાની જાહેરાત કરી હતી.
મોરબીના રવાપર રોડ પર અજય લોરિયા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવમાં ધાર્મિક ઉત્સવ સાથે દેશભક્તિ અને સમાજસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે આયોજક અજય લોરિયાએ જાહેર મંચ પરથી નવરાત્રિના હિસાબની વિગતો રજૂ કરી હતી. આ વર્ષે મહોત્સવમાં રૂ.૩૦.૬૦ લાખનો નફો થયો હતો, જેમાંથી વિવિધ રાજ્યોના ૨૮ શહીદ પરિવારોને રૂ.૧-૧ લાખના ચેક અર્પણ કરી કુલ રૂ.૨૮ લાખની સહાય આપવામાં આવી હતી.
ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૫થી શહીદ પરિવારોને આર્થિક સહાય કરવામાં આવી રહી છે. અજય લોરિયાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ ૩૨૯ શહીદ પરિવારોને રૂ.૫.૦૪ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. જ્યારે નફાની બાકી રહેલી રૂ.૨.૬૦ લાખની રકમ પિતાની છત્રછાયા ગુમાવનાર પાટીદાર સમાજની અંદાજે ૫થી ૭ દીકરીઓની અભ્યાસ ફી માટે વાપરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે આયોજન માટે માત્ર સાત દિવસનો સમય મળ્યો હોવા છતાં દાતાઓ, સ્પોન્સરો અને ફાઉન્ડેશનના સભ્યોના સહકારથી નવરાત્રિ મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.






