સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ (સમરસ) દ્વારા આજે 21 જૂનના રોજ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના ધોરણ 8થી લઈને સ્નાતક સુધીનું શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
રવાપર-લીલાપર કેનાલ રોડ સ્થિત સમરસ વિદ્યાર્થી ભવન ખાતે સમારોહનું આયોજન સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સમાજના સંતો-મહંતો, આગેવાનો, અધિકારીઓ તેમજ રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામના પૂજ્ય જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ હાજરી આપશે. ઉપરાંત પૂજ્ય રામબાલકદાસજી બાપુ, પૂજ્ય બંસીદાસજી બાપુ, મંમાઈ માતાજી મઢના ભુવાશ્રી લખમણઆતા, સાધ્વી શ્રી કંકુ માં તથા ભુવાશ્રી સવાઆતા સહિતના મહાનુભાવો આશીર્વચન આપશે. સમાજના ગૌરવવંત અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સમાજજનો માટે સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને વધુ ઊંચા શૈક્ષણિક લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.






