મોરબીમા આજે પણ જેની સ્મૃતિઓ કાળજા કંપાવી દે છે તે મચ્છુ જળ હોનારતનાં આજે ૪૨ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯માં મોરબીના મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભયાનક જળ પ્રલય સર્જાયું હતું અને આ મોતના તાંડવથી પળ ભરમાં તો શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું અનેક પરિવારના સ્વજનો મોતને ભેટયા હતા. મોરબીના આ જળ પ્રલયની વાત કરતા લોકોની આંખોમાંથી હજુ આંસુ રોકાઈ શકતા નથી.
આજે ૪૨મી વરસી નિમિત્તે નગરપાલિકા દ્વારા ૨૧ સાયરન વગાડી દિવંગતોને શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવ્યા હતા. મણીમંદિર નજીક દિવંગતોની સ્મૃતિમાં બનાવેલ સ્મૃતિસ્તંભ ખાતે દિવંગતોને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે મૌન રેલી યોજી દિવંગતોને શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને મૌન રેલી રદ કરવામાં આવી હતી. આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઇ, ડીડીઓ પરાગ ભગદેવ, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ દિવંગતોના સ્વજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા