ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશ્ર્વની સૌથી પ્રાચીન તેમ જ સમૃદ્ધ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વની તમામ સંસ્કૃતિની જનની માનવામાં આવે છે. જીવવાની રીત ભાત હોય, રાજકારણનું ક્ષેત્ર હોય કે પછી વિજ્ઞાન હોય, તેમાં ભારતીય સંસ્કૃતિનું વિશેષ સ્થાન રહેવા પામ્યું છે. પરંતુ આજના યુગમાં લોકો આપણી સંસ્કૃતિને ભૂલતા જય રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવતા થાય તેવા પવિત્ર હેતુથી શ્રી મ. જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા “નવરંગ-૨૦૨૩” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ ઉદ્ઘાટક તરીકે ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી મ. જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણને દેવદુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. આપણો દેહ પંચ મહાભૂતનો બનેલો છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિતનો વિકાસ કરીને આપણે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ તથા પ્રકૃતિ માનવ બનાવવાનો પ્રયત્ન શિક્ષણનાં માધ્યમથી કરીએ છીએ. શિક્ષણમાં સંસ્કૃતિનું ખૂબ મહત્વનું સ્થાન છે. આપણાં વિદ્યાલયનાં સાંસ્કૃતિક કાર્યક્રમો એક પ્રકારે આપણી સંસ્કૃતિનું દર્શન છે. કાર્યક્રમોનાં માધ્યમથી વિદ્યાર્થી સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવતા થાય તેવા પવિત્ર હેતુથી વિદ્યાલયનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નવરંગ-૨૦૨૩’ આગામી તારીખ ૨૦-૦૪-૨૦૨૩ને ગુરૂવારના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે મોરબીની પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં ઉદ્ઘાટક તરીકે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજરી આપશે. તેમજ અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહેશે. ત્યારે જાહેર જનતાને પણ આ કાર્યક્રમ નિહાળવા તથા માણવા સહપરિવારને ભાવભર્યું નિમંત્રણ શાળા સંચાલકો દ્વારા આપવામાં આવ્યું છે.