શાકભાજીના વેપારી પરિવાર સાથે દર્શનાર્થે ગયો હતો; દરવાજાનું તાળું તોડી રોકડ રૂ.૧.૫૦ લાખ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી.
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલા રામેશ્વર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૩,૫૫,૫૦૦/- ની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. પરિવાર કેદારીયા દર્શનાર્થે ગયો હતો તે દરમિયાન તસ્કરો ઘરમાંથી હાથફેરો કરી ગયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા ૩૪ વર્ષીય સંજયભાઈ ઉકાભાઈ ચારોલિયાએ મકાનમાં થયેલી ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૧ નવેમ્બરના રોજ તેઓ પરિવારજનો સાથે હળવદ તાલુકાના કેદારિયા ગામે દર્શન કરવા ગયા હતા અને રાત્રે આશરે આઠ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. દરમિયાન તા.૧૧ નવેમ્બરના સવારે ૧૧ વાગ્યાથી તા.૧૨ નવેમ્બરના રાત્રે આઠ વાગ્યા વચ્ચેના સમયગાળામાં કોઈ અજાણ્યો તસ્કર ઘરના દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી, ઘરમાં રાખેલી લોખંડની તિજોરીમાંથી ધંધાના રોકડા રૂ.૧.૫૦ લાખ, બે તોલાની સોનાની હાસડી, આશરે એક તોલાની સોનાની પાંદડીવાળી બુટ્ટી, પોણા તોલાની સોનાની કાનની સેર તેમજ ૨૫૦ ગ્રામનો ચાંદીનો કંદોરો મળી કુલ રૂ.૩,૫૫,૫૦૦/-ની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ, ચોરીના બનાવની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






