રાજ્યમાં રખડતા ઢોરોને મુદ્દેને હાઈકોર્ટે કડક થઈને તંત્રને કામગીરી કરવાના આદેશો આપ્યા હતા. જેથી નગરપાલિકા અને પોલીસ દ્વારા રખડતા ઢોરોને પકડીને ઢોરવાડામાં લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ કામગીરી માત્ર કાગળો પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર, વહીવટી અધિકારી તથા ધારાસભ્યને પત્ર લખી ઢોરનાં ત્રાસથી મુક્તિ અપાવવા માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, તથા ચિરાગ સેતા રાણેવાળીયા દેવેશ મેરૂભાઈ દ્વારા મોરબીના ચીફ ઓફિસર, કલેક્ટર, વહીવટી અધિકારી તથા ધારાસભ્યને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, મોરબીની અંદર ઢોરનો ત્રાસ અનેક ઠેકાણે દરબારગઢ, ગ્રીન ચોક, સ્ટેશન રોડ ધકકાવાળી મેલડી માતાજીનું મંદીર (જયાં લાખો લોકો દર્શન માટે જાય છે), નગર દરવાજો દમધમતો એરીયા, જેલ રોડ, લખધીરવાસ ચોક, વાવડી રોડ, શનાળા રોડ, રવાપર રોડ, સામા કાંઠે વિસ્તાર મોરબી-૨ જયાં જુઓ ત્યાં ખુટીયાનો ત્રાસ જોવા મળે છે. જેથી મોરબીના સમાજીક કાર્યકરો અને સ્થાનિકો દ્વારા મોરબી નગરપાલીકા તાત્કાલીક આ ઢોરને પકડવાનું અભ્યાન ચાલુ કરે તેવી માંગ કરી છે. ત્યારે રાત્રે વૃધ્ધ લોકોને સાંજના સમયે મંદીરે જાવુ હોય તો બીતા બીતા નીકળે છે. કેટલાક સ્થળો પર આખલા યુદ્ધ થાય છે ત્યારે અનેક વાહનોને નુકશાન થાય છે અને માણસોને પણ નુકશાન થાય છે. જેમાં કેટલાક લોકોનાં જીવ પણ જાય છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈને મોરબી ચીફ ઓફીસર, કલેકટર, વહીવટદાર, મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતીયાને સામાજિક કાર્યકરો દ્વારા પત્ર લખાયો છે. અને તાત્કાલીક પગલાં લેવા પ્રજાજનોની અને મોરબીની જનતા દ્વારા માંગણી કરાઈ છે.