હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં ટાઉતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી છે. ત્યારે મોરબીના વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે તો આજે રાજ્ય સરકારના નર્મદા નિગમના મંત્રી યોગેશભાઈ પટેલે મોરબી અને માળિયા તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં માળિયાનાં ન્યુ નવલખી, જુમાવાડી, નવલખી બંદર તેમજ મોરબી તાલુકાના ઊંટબેટ શામપર ગામની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે માછીમારો દરિયાકાંઠે જ પોતાનો ધંધો કરતા હોય છે અને વાવાઝોડામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે યોગ્ય આયોજન કરાયું છે જુમાવાડી વિસ્તારના રહીશોને ટાટાનગર સ્થળાંતર કર્યા છે તેમજ અનેક લોકો પોતાના સગા-પરિચિતોના ઘરે ગયા છે સ્થળાંતર કરેલ લોકોને ભોજન, પાણીની સુવિધા મળી રહે તે માટે આયોજન કર્યું છે તેમજ તમામ ઝૂપડપટ્ટીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે રાજ્ય સરકારનો અભિગમ છે કે વાવાઝોડાને પગલે એકપણ નાગરિકનું મૃત્યુ ના થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.