મોરબી સરકારી હોસ્પિટલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રીને રજુઆત કરવામાં આવી
મોરબી : મ્યુકરમાઇકોસીસની બીમારીએ માથું ઉચકતા મોરબીમાં તેના ઇન્જેક્શન માટે દર્દીઓના પરિવારને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ઇન્જેક્શનનો જથ્થો મોરબી સરકારી હોસ્પિટલમાંથી જ મળી રહે તેવી માંગ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ છગનભાઇ સિંહોરા તેમજ ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રીને રજુઆત કરતા જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. જેના બદલ ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. પરંતુ કોરોનાની ગતિ ધીમી પડવાની સાથે જ ગુજરાત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ નામના રોગે માથું ઉચકયું છે. તેજ રીતે મોરબી જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ બીમારીની સારવાર માટે દર્દીઓ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તેના ઇન્જેક્શન મેળવવા માટે સરકારના આદેશ અનુસાર છ મેડિકલ કોલેજ મારફત જ તે ઇન્જેક્શન મળે છે. મોરબી જિલ્લામાં પણ હાલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ છે. તેઓના સગા સબંધીઓને ઇન્જેક્શન મેળવવા માટે આર્થિક અને માનસિક રીતે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી મોરબીમાં પણ મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાંથી જ મળી રહે તેવી માંગ છે.