બોટાદમાં થયેલા કથિત લઠ્ઠકાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તેના થોડા સમય બાદ આ દેશી દારૂના અડ્ડા ફરી શરૂ થઇ ચૂક્યા છે. જેમાં સીરામીક નગરી મોરબીનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે હળવદ પોલીસે નવા સુંદરગઢ ગામની સામમાં દરોડા પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, નવા સુંદરગઢ ગામની સામેની કરારપાટી સીમ વિસ્તારમા રધાભાઇ સવાભાઇ ચરમારીની વાડીના સેઢે બાવળની કાટમા દેશી દારૂ બનાવવાનો ધીકતો ધંધો ચાલે છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઇડ કરી સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો ગાળવાની ભઠ્ઠી રાખી રૂ.૧૨૦૦/-ની કિંમતનો આશરે ૬૦૦ લીટર ઠંડો આથો તથા રૂ.૧૩૦૦/-ની કિંમતનો ૬૫ લીટર દેશી દારૂ સહીત ભઠીના સાધનો મળી કુલ રૂ ૫૧૦૦/-નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. જયારે આરોપી છેલાભાઇ ભરતભાઇ જીંજવાડીયા સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.