હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ પરંપરાગત ખેતીની ઉપયોગીતા સમજાવી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને ઈશ્વરીય કાર્ય સાથે સંકળાવી પદ્ધતિસરની પ્રાકૃતિક ખેતીને સૌથી મોટી ભક્તિ અને પૂજા ગણાવી હતી.
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે જો તમે પુરી લગનથી પ્રાકૃતિક ખેતી કરો તો તે બધાથી મોટી પૂજા અને ભક્તિ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે લોકો કેન્સર, હાર્ટ એટેક સહિત હજારો પ્રકારની બીમારોઓ માનવ શરીરમાં ઘર કરી ગઈ છે. આ તમામના મૂળમાં ખોટા પ્રકારની લાઇફસ્ટાઇલ અને ખોરાક જવાબદાર છે જેથી લોકોને નવુ જીવન આપવા, પ્રદુસણ મુક્ત વાતાવરણ, પાણી બચાવવા, જમીન, જંગલ બચાવવા, આગામી પેઢીને બંજર નહિ પણ ઉપજાવ જમીન પ્રદાન કરવા ગૌ માતાનું સંવર્ધન કરવાના સંકલ્પ સાથે તમામ લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અપીલ રાજ્યપાલજી એ કરી હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીથી ક્યારેય ઉત્પાદનમાં ઘટાડો નહિ આવે અને સરકાર પણ ઓર્ગેનિક ખેત પેદાશોના માર્કેટિંગની દિશામાં આગળ વધી રહી છે.
રાજ્યપાલજીએ જણાવ્યું હતું કે હું પણ પરંપરાગત ખેડુત છું. મારી ખેતી કુરુક્ષેત્રમાં આવેલી છે જયાં આજે પણ ગાય આધારિત પરંપરાગત ખેતી કરવામાં આવે છે. જેમાં મોટા પાયે ઉત્પાદન થાય છે. ખેતી ક્ષેત્રે પેદાસોનું ઉત્પાદન વધારવા ગૌમુત્ર અને ગાયના ગોબર ઉપયોગ કરવો જોઈએ જે ખૂબ જ લાભદાઇ નીવડે છે.
આ પ્રસંગે જેઠાભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ, મહંત દલસુખ રામાબાપુ, પ્રભુદાસ બાપુ, મોરબી જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.