ટંકારાના રેતી-કપચીના વેપારીએ કલ્યાણપુર નજીક આવેલ ઓઇલમીલની ઓફિસમાં ગળેફાંસો જીવન લીલા સંકેલી લીધી હતી આ પ્રકરણમાં મૃતકના પુત્રની ફરિયાદ તેમજ સ્યુસાઇડ નોટના આધારે 10 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.મૃતકે વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યંજકવાદીઓએ ત્રાસ ગુજરતા કંટાળી જઇ વેપારીએ આયખું ટૂંકાવી લીધાનું સામે આવતા ચકચાર મચી છે.
જાણવા મળતી વિગત અનુસાર ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણીએ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ નજીક આવેલ રાજેશ્વરી ઓઇલ મિલની ઓફિસમાં ગત તા.18ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જે પ્રકરણમાં મૃત્યુ અંગે આશંકાને લઈને રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટ કબ્જે કરવામાં આવી હતી.જેમાં મૃતક જગદીશભાઈના પુત્ર કિશનભાઇ જગદીશભાઈ જીવાણીએ ટંકારા પોલીસ મથકમાં વિગત જણાવી જણાવ્યું હતું કે તેમના પિતાજીને લજાઇના અશ્વિન બાબુભાઇ મસોત પાસેથી નાણાં લેવાના નીકળતા હોવા છતાં અશ્વિન નાણાં આપતો ન હોવાથી ચિંતામાં રહેતા હતા.
વધુમાં નાણાં ની જરૂરિયાત ઉભીં થતા તેઓએ મોરબી ગુરુકૃપા ફાઇનાન્સ વાળા દિલુભા કણુભા ઝાલા, મીતાણાના બાબલાલ બોરીચા, વિક્રમ જેઠાભાઇ બોરીચા, ટંકારા રાજશક્તિ પાન વાળા માંડાભાઈ ભરવાડ, ટંકારાના દિપક રાણાભાઇ ભરવાડ, સંજય રાણાભાઇ ભરવાડ, નવઘણ રાણાભાઇ ભરવાડ, રામપરના મુન્નાભાઈ તલાસવાળા અને ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભલાભાઈ ધારાભાઈ ભરવાડ પાસેથી 5 થી 6 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં લીધા હતા જે રકમ વ્યાજ સહીત પરત ચૂકવી દેવા છતાં વ્યાજખોરો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હોય તેમના પિતાને આ વ્યાજખોરોએ મરવા મજબુર કર્યા હોય તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેને પગલે પોલીસ તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.