આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ એટલે કે આર્યવીર દળ. આર્યવીર દળની આજથી 40 વર્ષ પહેલા ટંકારામાં સ્થાપના કરવામાં આવી હતી. જેનો ગઈકાલે 40 મો સ્થાપના દિવસ હોય આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા સંચાલિત આર્યવીર દળ ટંકારાના સ્થાપના દિવસની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આર્યવીર દળ ટંકારાના જણાવ્યા અનુસાર, ગઈકાલે ઋષિ જન્મભૂમિ ટંકારા સ્થિત આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા સંચાલિત આર્યવીર દળ ટંકારાનો 40 મો સ્થાપના દિવસ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય આચાર્ય અજયજી ઉપરાંત મુનિ, સૂચીસદજી પૂર્વ નામ શિવદતજી પાંડે અને આચાર્ય રામદેવજી શાસ્ત્રીના મનનીય પ્રવચનો લોકોને સંભળાવવામાં આવ્યા હતા. આર્ય વીરોના અને આર્ય સમાજીઓના જીવનને શ્રેષ્ઠ બનાવવા પ્રેરક ઉદબોધનો પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 11 જૂન ના રોજ સવારે 8 વાગે યજ્ઞથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈશ્વર સ્તુતિનું એક ભજન કૈલાશબેન લો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ આર્ય વીર, વીરાંગનાઓ દ્વારા એક સમૂહ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આર્યવીરોને પોતાના જીવનમાં આર્યવીર દળમાં જોડાવાથી શું ફાયદો થયો તેના પ્રતિભાવો રજૂ કરાયા હતા. ત્યારબાદ આર્યવીર દળના સ્થાપક શાખાના આર્યવીર અને રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બીપીનભાઈ ભીમાણી દ્વારા આર્યવીર દળ ટંકારાના ઇતિહાસને વાગોળવામાં આવ્યો હતો. ઉપરાંત આર્ય વીરોએ શિબીરમાં સફળતા પ્રાપ્ત કરેલી હતી. તેવા તમામ શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગત વાર્ષિક પરીક્ષાઓમાં ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનાર આર્ય સદસ્ય પરિવારના આર્ય વીરોને પણ પ્રોત્સાહિત કરાયા હતા, ત્યારબાદ લો પ્રાણજીવનભાઈ તરફથી આર્યવીર દળ ટંકારાના વિકાસ માટે ₹1,50,000 નો આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે સવસાણી ધર્મદેવભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમના દ્વારા ટાઇલ્સ ઉપર ઋષિમુનિઓના અને ક્રાંતિકારીઓના ચિત્રો નિઃશુલ્ક બનાવીને આર્ય સમાજને અર્પણ કરવામાં આવે છે. આ તકે ઉપસ્થિત ત્રણેય વિદ્વાન આચાર્ય મહાનુભાવો, મુનિઓ દ્વારા ખૂબ મનન્ય પ્રવચનો રહ્યા અને આર્યવીર દળ ટંકારાના સંચાલક અશ્વિનભાઈ આંબલીયા દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. 450 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ મહાપ્રસાદ લઈ સમાપન કરવામાં આવ્યો હતો. તેમ આર્યવીર દળ ટંકારા દ્વારા જણાવવામાં આવ્યું હતું.