મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં ચાર વ્યક્તિઓનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસે અપમૃત્યુના બનાવ મામલે અ.મોતની નોંધ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૧ માં રહેતા ઉમંગભાઇ નિરંજનભાઇ લખતરીયા ઉવ.૪૧ અને તેમના પિતા માળીયા(મી) ખાતે મીઠાનો વેપાર ધંધો કરતા હોય જે ધંધો આજથી ત્રણ વર્ષ અગાઉ બંધ થઇ જતા તે ધંધો ચાલુ કરવા ઉમંગભાઈ મહેનત કરતા હોય પણ ધંધો ચાલુ થતો ન હોય જે બાબતે મનમાં લાગી આવતા ગઇ તા-૩૧/૦૧ ના રોજ સાંજના સમયે કાલિકા પ્લોટ ખાતે તેમના રહેણાંકમાં ઉમંગભાઈએ પોતાની જાતે ઝેરી દવા પી જતા તેઓને પરિવારજનો દ્વારા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં દાખલ ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલ તા-૦૪/૦૨ ના રોજ ઉમંગભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, સીટી એ ડિવિઝન પોલીસે મૃતકના પત્ની પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના બીજા બનાવ મામલે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રહેવાસી હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેશવાનંદ મીનરલ્સના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા કૈલાશ ભટ્ટુ ડાવર ઉવ.૪૫ ગઇ તા.૩૧/૦૧ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી પાવડીયારી જવા માટે નીકળેલ બાદ પરત આવેલ નહી અને જે બાદ તા.૦૩/૦૨ના રોજ મરણ જનારની લાશ કોહવાઇ ગયેલ હાલતમાં તાલુકાના સાપર ગામની સીમ જેતપર રોડ પાવળીયારી પાસે એક્ષોલી સીરામીક સામે રોડની બાજુમાં આવેલ ગંદા પાણી ભરેલ ગટરમાંથી ડુબી ગયેલ હાલતમાં મળી આવી હતી, હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર મૃત્યુના બનાવની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
જ્યારે ત્રીજા અપમૃત્યુની પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક રમેશભાઇ દેવજીભાઇ ઠોરીયા ઉવ-૫૨ રહે-નવા ઇશનપુર તા-હળવદવાળા ગઇ તારીખ-૨૯/૦૧ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યા વખતે હીરો એચ એફ ડીલક્ષ કંપનીનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એલએલ-૪૩૪૦ વાળુ લઇને ઇશનપુરથી હળવદ જતી વખતે વેગડવાવ હળવદ રોડ ઉપર રાત્રીના અંધારામાં રોડ ઉપર આખલો પ્રાણી આડુ પડતા રમેશભાઈએ મોટરસાયકલની જોરદાર બ્રેક મારી હતી, જેથી મોટર સાયકલ સ્લીપ થતા રમેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યારે ચાલુ સારવાર દરમ્યાન રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ મામલે મૃતક પ્રૌઢના ભાઈ દ્વારા આપેલ વિગતો અનુસંધાને પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવ મામલે મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ૩૬ વર્ષીય યુવક કાંતિભાઈ મગનભાઈ દુધાણાએ ગઈકાલે પોતાના ઘરે કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ હતું, જેથી તેમની લાશ પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અકાળે મૃત્યુના બનાવની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.