મોરબી જિલ્લામાં ગઈકાલે જીવલેણ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી જેમાં મોરબીના અમરનગર પાસે થયેલ ટેમ્પો ટ્રાવેલ્સ, હુંડાઈ ઈઓન કાર અને આઈ-૧૦ કાર વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં મોરબીના પરિવારના ચાર સહિત પાંચ લોકો મોતને ભેટ્યા હતા જ્યારે ૧૨ જેટલા લોકો ઘાયલ થયા હતા .
જેમાં આજે આઈ-૧૦ કાર ચાલક ડો.હાર્દ ટીલવા (ઉ.૨૭ રહે -‘ શ્રી માં’ હોસ્પિટલ ,સાવસર પ્લોટ -૦૨ મોરબી)વાળા એ ફરિયાદ નોંધાવી હતી કે મોરબી તરફ આવતી હુંડાઈ ઈઓન કાર નંબર. જીજે ૩૬ એસી ૩૫૭૮ નમ્બરના કારચાલકે પોતાની કાર ગફલત ભરી રીતે ચલાવતા કારનું ટાયર ફાટતા ઈઓન કાર ડિવાઇડર કૂદીને કચ્છ તરફ જઈ રહેલા ટેમ્પો ટ્રાવેલર જી.જે.૧૨ .બી.વાય.૬૨૨૨ સાથે અથડાઈ હતી જેથી ટેમ્પો ટ્રાવેલ્સ ના ચાલક દ્વારા બચાવ કરતા સમયે ટેમ્પો ટ્રાવેલ્સ નો સાઈડનો ભાગ બાજુમાં પસાર થતી i 10 કાર નં. જીજે ૦૫ જેડી ૭૦૮૨ સાથે અથડાયો હતો જેને લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈઓન કારમાં સવાર મોરબીના પાંચ લોકો પૈકી ચારના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો અને ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર ૧૨ લોકો પૈકી એક નું મોત થયું હતું અને ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જોકે આ ગમખ્વાર અકસ્માતમાં આઈ ૧૦ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો તથા મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને ૪-૪ લાખની સહાય તેમજ ઇજાગ્રસ્ત ને ૫૦-૫૦ હજારની સહાય આપવામાં આવશે તથા મંત્રી મેરજા દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.