ટંકારા ઓવરબ્રીઝ ઉપર ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ સુપર કેરી વાહન ટેન્કરના પાછળના ભાગે ભટકાયેલ હતું. ત્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત સુપર કેરી વાહન ચાલક યુવકનું ચાલુ સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિ. ખાતે મૃત્યુ થયું હતું.
ગત તા.૧૫ ની વહેલી સવારે આશરે ૬ વાગ્યે રાજકોટથી સુપર કેરી વાહનમાં દૂધ ભરી મોરબી ખાલી કરવા આવતા મુનાબ રજાકભાઈ ચૌહાણ મોરબી-ટંકારા રોડ ઓવર બ્રીઝ ઉપર પહોંચતા આગળ પુરઝડપે જતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા સુપર કેરી ટેન્કરના ઠાઠામાં અથડાયેલ હતું. જે અકસ્માતમાં ટેન્કર ચાલક પોતાના હવાલવાળું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. બીજીબાજુ અકસ્માતમાં સુપર કેરી ચાલક યુવક ઈજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઈ જતા મોરબી પોલીસ કેન્ટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગતા થોડીવારમાં પોલીસ વેન તથા આજુબાજુમાં માણસો એકત્ર થઇ જતા ફસાઈ ગયેલ યુવાનને બહાર કાઢી ગંભીર રીતે ઘવાયેલ યુવકને એમ્બ્યુલન્સ મારફત પ્રથમ ટંકારા સરકારી હોસ્પિ.માં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકને પગમાં ફેકચર તથા ગોળો ખસી જવા જેવી ગંભીર ઇજાઓની સારવાર ચાલુ હોય ત્યારે ગઈ તા.૧૮/૦૨ના રોજ ચાલુ સારવારમાં યુવકનું મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત અકસ્માતમાં મૃત્યુના બનાવમાં મૃતકના પિતા રજાકભાઈ જમાલભાઈ ચૌહાણ ઉવ.૫૦ રહે.માલીયાસણ તા-જી. રાજકોટ દ્વારા ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટેન્કર ચાલક સામે આઇપીસી કલમ તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.