મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની કુલ ૧૬૬ બેઠકો માટે મતદારોમાં અનેરો ઉત્સાહ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ મોરબી જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો (મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા-મ) તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મ) નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો સહિત મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે.
લોકશાહીના આ મહાપર્વમાં મોરબી જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે.





