રાજ્યમાં વરસાદ આવતાની સાથે જ રોડ-રસ્તાની કામગીરી અને તંત્રની પોલ છતી થઈ જાય છે. અનેક જગ્યાએ ભૂવા પડે છે તો, રોડ ધોવાઈ જાય છે અને પુલની હાલત બે હાલત થઈ જાય છે. પરંતુ મોરબીમાં તો વગર વરસાદે જ પૂલ પર ગાબડું પડ્યું છે. એક વર્ષ પહેલાં જ આ પૂલ બનાવવામાં આવ્યો હતો.
રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોરબીનાં મચ્છુ ૩ ડેમ પર આવેલ બ્રિજમાં ગાબડું પડ્યું છે. આ બ્રિજ એક વર્ષ પહેલાં જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે નવા બનેલ બ્રિજમાં મસમોટું ગાબડું પડી જતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે, બનાવ સદનસીબે જાનહાની ટળી હતી અને કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ગાબડા ફરતે પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે.