ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન પરનો GST સંપૂર્ણ માફ : હેપરીન તેમજ રેમેડિસિવિર ઈન્જેક્ન પર લાગતો ૧૨ ટકા GST હવે ૫ ટકા લેવાશે
દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા કોરોનાની સારવાર માટે વપરાતા સાધનો સહિત દવાઓ પરના GST ઘટાડવા અંગેના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણોનો સ્વિકાર કરવામાં આવ્યો છે, આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી એ વિવિધ રાજ્યના નાણામંત્રીઓ સાથે સમીક્ષા કરી નિર્ણય લીધો હતો. તા. ૧૪-૦૬-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૧ સુધી આ નિર્ણય અમલી રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને સહાયરૂપ થવા માટે વપરાતા સાધનો અને દવાઓ અંગે રાહત પૂરી પાડવા માટે GST કાઉન્સિલ દ્વારા વિવિધ રાજ્યોના નાણા મંત્રીઓની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક તા.૩/૬/૨૦૨૧ ના રોજ મળી હતી અને આ ભલામણો કાઉન્સિલને સુપરત કરી હતી. આ કમિટી દ્વારા ચર્ચા-વિચારણા બાદ તૈયાર કરાયેલા રિપોર્ટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનને આજે સોંપવામાં આવ્યો હતો. કમિટી દ્વારા કરાયેલી ભલામણોનો કેન્દ્રીય મંત્રીએ સ્વિકાર કરી કોવિડની સારવારને લગતા સાધનો-દવાઓ પરના GSTના દરોમાં ઘટાડો કરવાનો દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન અને કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી ૪૪મી GST કાઉન્સિલની બેઠકમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીઓ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના સભ્યો સાથે પરામર્શ કરીને આ નિર્ણયો લીધા છે જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
આ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત આપવા માટે GST કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયો અન્વયે ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન પરનો GST સંપૂર્ણ માફ કરાયો છે. હેપરીન તેમજ રેમેડિસિવિર ઈન્જેક્ન પર લાગતો ૧૨ ટકા GST હવે ૫ ટકા લેવાશે. તેમજ મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કન્સેન્ટ્રેટ્રર, જનરેટર વ્યક્તિગત આયાત સહિત વેન્ટિલેટર, બાયપેપ મશિન, હાઈપો નસલ કેન્યુલા, કોવિડ ટેસ્ટિંગ કીટ, ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ, પલ્સ ઓક્સિમિટર વ્યક્તિગત આયાત સહિત પર લેવાતો ૧૨ ટકા GST હવે ૫ ટકા લેવાશે. હેન્ડ સેનેટાઈઝર અને તાપમાન માટેના સાધનો પર ૧૮ ટકાના બદલે ૫ ટકા GST : એમ્બ્યુલન્સ પર લેવાતો ૨૮ ટકા GST હવે ૧૨ ટકા લેવાશે, અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી (Cremation incineration) પર લેવાતો ૧૮ ટકા જી.એસ.ટી. હવે ૫ ટકા લેવાશે.જ્યારે MoHFWઅને ફાર્માના ડિપાર્ટમેન્ટ દ્વારા ભલામણ કરેલી અન્ય કોઈ પણ દવા પર લાગુ પડતો દરના બદલે હવે ૫ ટકા લેવાશે.