મોરબી જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. અને ગુનાખોરીને ડામવા કમર કસી છે. ત્યારે આજે ફરી હળવદના સુંદરગઢ ગામે મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદના સુંદરગઢ ગામે મૂળ દાહોદની અને હાલ હળવદમાં રહેતી જનકીબેન ઉર્ફે ધનીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. અને મહિલાના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં જ હળવદ પી.આઇ એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પ્રાથમીક તપાસમાં મહિલાના પતિએ જ હત્યા નિપજાવી હોવાની શંકાને આધારે હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.