રાજકોટ શહેરમાં લૂંટફાટ અને ચોરીના બનાવો જાણે હવે સામાન્ય બનતા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત તા.૦૭/૧૨/૨૦૨૨ના રોજ મોરબીનાં જેપુર ગામમાં આવેલ દાદા ભગવાન ત્રિમંદિરમાંથી કોઈ અજાણ્યો ચોર મહિલા પાસે રહેલ લાખોનો સોના-ચાંદી ભરેલ બેગ લઈ રફુચક્કર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળનાં “ધિરજધમ” વિધ્યુતનગર શેરી નં- ૬ ગરબી ચોક ૬૦ ફૂટ રોડ ખાતે રહેતા તેજલબેન અમીતભાઇ વેલાણી નામના મહિલા ગત તા.૦૭/૧૨/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આવેલ હતા. જ્યાં કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમનું સોનાના દાગીના રાખેલ બેગ કે જેમાં એક જોડી સોનાની બુટ્ટી આશરે એક તોલાની તથા બે નંગ સોનાના પાટલા આશરે ૪ તોલા જેની કિ.રૂ. આશરે ૨,૫૫,૦૦૦/- ગણી શકાય તથા પર્સમાં રહેલ રોકડ રૂ.૩૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૫૮,૦૦૦/-ની ચોરી કરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.