મોરબીના માર્ગો પણ જાણે યમનો પડાવ હોય તેમ અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવે છે જેમાં અનેક વ્યક્તિઓ કાળનો કોળિયો બની રહ્યા છે ત્યારે આજે એક બાળક સહિત ત્રણ ના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામેં રહેતા પરબતભાઈ ઓધવજીભાઈ ભાગીયાના મકાન સામે ટ્રેકટર નિચે કચડાઇ જતા પાંચ વર્ષનો બાળક કાળનો કોળિયો બની ગયો છે.પરબતભાઈ ઓધવજિભાઈ ભાગીયા એચ.એમ.ટી.ટ્રેક્ટર ટ્રોલી સહિત જોયા વગર રીવર્સમા લેતા કવન નામના ૫ વર્ષના બાળકને સાઈકલ સહિત હડફેટે લીધો હતો જેમાં બાળકને માથના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું.આ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
જ્યારે મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ ઓરફીન સિરામીક ગેટની સામે રોડ સી.એન.જી.રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સી.એન.જી.રીક્ષા રજી.GJ-36-U-4964 ના ચાલકે પુરપાટ વેગે રીક્ષા ચલાવી સતેન્દ્રભાઇ (ઉ.વ ૨૦)ના બાઈક નં. GJ-36-D-3955 ને હળફેટે લીધી હતી જેમાં સતેન્દ્રભાઇને માથામા તથા જમણા પગે અને જમણા હાથમા ગંભીર ઇજા થઈ હતી જે અંગે જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે રીક્ષા ચાલક વિરૂદ્ધ
મૃતકના પિતા ભૈયાલાલભાઇ બોધનભાઇ તિવારી (ઉ.વ ૫૮ રહે-ગામ-ઓરેઇ તા.જી ફતેહપુર ઉતરપ્રદેશ)એ પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ એસ્ટ્રોન પેપર મિલ પાસે રેલ્વે ફાટક નજીક રોડ પર રમેશભાઇ અટુભાઇ નાયકા (ઉ.વ.૩૦ રહે.મુળ લીંબડી ફળીયા-નળીયાદ તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે.હળવદ રમેશભાઇ સવજીભાઈ કણઝરીયાની વાડીએ જી.મોરબી) એ હીરો સ્પ્લેન્ડર પ્રો બઈક રજી.નં.GJ-06-FM-9020 બેફામ સ્પીડે ચલાવતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી. આ અકસ્માતમાં રમેશભાઈને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા જ્યા સરવામાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.