પંચાસર ચોકડી પાસે બોલેરો પીકઅપમાંથી રૂ.૪.૦૯ લાખનો મુદ્દામાલ કબજે.
વાંકાનેર સીટી પોલીસે જડેશ્વર રોડ પર પંચાસર ચોકડી પાસેથી દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી હતી. પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ, વાહન અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ.૪.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત બે ઇસમોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસને મળેલી બાતમીના આધારે પંચાસર ચોકડી ખાતે વોચ ગોઠવી મહિન્દ્રા બોલેરો રજી.નં. જીજે-૦૩-બીવી-૦૦૪૧ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બોલેરોમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ રૂ.૮૦ હજાર મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ.૩ લાખની બોલેરો અને રૂ.૨૯ હજારના ચાર મોબાઇલ મળી કુલ રૂ.૪.૦૯ લાખના મુદ્દામાલ સાથે નીતિનભાઈ ધીરૂભાઈ અગેચાણીયા રહે. પ્રકાશનગર સોસાયટી લીલાપર મોરબી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને હસ્તગત કરી પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






