મોરબીમાં આપઘાત તથા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેને કારણે મોરબીમાં અકાળે મોતની સંખ્યા પણ પોલીસ ચોપડે વધુ પ્રમાણમાં નોંધાઈ રહી છે. ત્યારે ગઈકાલે બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં બોધનગર નજરબાગ સામે રહેતા હેમરાજભાઇ દીલીપભાઇ પરમાર નામના યુવકે પોતાના ઘરે કોઇ કારણોસર ગળા ફાંસો ખાઈ લેતા તેને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અને મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી. જયારે અન્ય બનાવમાં સુરેખાબેન મદનભાઇ બામણીયા નામના મહિલાએ ગત તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે કે તેમને સમય સુચકતા દાખવી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો બચાવ થયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, જયારે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ગર્ભવતી હતી અને તેઓએ તા.૧૨/૧/૨૦૨૩ ના રોજ એક બાળકને સારવાર દરમિયાન જન્મ પણ આપ્યું હતું. જેનું રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ગઈકાલે મોત નીપજ્યું હતું. જેને લઈ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ત્યારે ફરજ પર હાજર ડૉ. માલાબેન પુંજાણીએ સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી છે.