મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વાંકાનેરમાં રહેતો બાળક રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે માળીયા મીં.ના જુના ઘાટીલા ગામની સીમમા મંદરકીના રસ્તેથી પસાર થતી નર્મદા કેનાલમા અકસ્માતે પડી ગયેલ યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકામાં આવેલ રાતાવિરડા રોસા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા ખુરસીંગ વસુનીયાનો છ વર્ષીય બાળક કાર્તિક ખુરસીંગ વસુનીયા ગઈકાલે રાતાવિરડા રોસા સીરામીક કારખાનાની ઓરડીમાં બીજા માળે રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા નીચે પટકાઈ જતા બાળકને તેના પરિવારજનો દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, માળીયા મી.ના જુના ઘાટીલા શક્તી પ્લોટમાં રહેતો સંજયભાઇ રામજીભાઇ અંગેચણીયા નામનો યુવક ગત તા.૨૦/૦૨/૨૦૨૩ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે જુના ઘાટીલા ગામની સીમમા મંદરકીના રસ્તેથી પસાર થતી નર્મદા કેનાલમા કોઇ કારણસર પડી જતા ડુબી જતા તેની લાશ નર્મદા કેનાલમાથી ગઈકાલ તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ મળી આવતા સ્થાનિકોએ બનાવ અંગે માળીયા મીં. પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસે સ્થળ પર આવી લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.