મોરબી જિલ્લા કોંગ્રેસના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ ગુરુવારે સવારે બીજેપીનો ખેસ ધારણ કરતા કોંગ્રેસના વધુ નેતાઓ કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાય એવી સંભાવના રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે જ હાલ મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકામાં રહેલા કોંગ્રેસના બે મહિલા કાઉન્સિલરોએ કેશરીયો કરતા અત્યારે તો કોંગ્રેસ પાર્ટી પ્રચારની સાથોસાથ પક્ષ બચાવવામાં પણ વ્યસ્ત થઈ ગયો છે.
મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના નિશાન પરથી ચૂંટાઈને કાઉન્સિલર બનેલા વોર્ડ નંબર 4ના કાઉન્સિલર જસવંતીબેન સુરેશભાઈ સિરોયા 50થી વધુ કાર્યકરો સાથે તથા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર ભાનુબેન નાગવાડીયા 50થી વધુ કાર્યકરો સાથે આજે ગુરુવારે બપોરે કોંગ્રેસનો હાથ છોડી હવે બીજેપીનો સાથ પસંદ કર્યો છે. જસવંતીબેન સિરોયાના પતિ સુરેશભાઈ કોળી સમાજના અગ્રણી છે ત્યારે આ બાબતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે. સૌરભ પટેલ, આઈ.કે. જાડેજા, મુખ્યમંત્રીના પત્નિ અંજલિબેન રૂપાણી, જિલ્લા ભાજપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, લાખાભાઈ જારીયા સહિતના આગેવાનોની હાજરીમાં બન્ને કાઉન્સિલરોનો વિધિવત ભાજપમાં પ્રવેશ થયો હતો.
આવનારા દિવસોમાં કોંગ્રેસથી નારાજ એવા ઘણા ચહેરાઓ બીજેપીમાં જોડાવવા માટે ઉત્સુક હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જેમાં મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે જ લીંબડીમાંથી પણ કોંગ્રેસના 8 સ્થાનીય નેતાઓ કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા હતા ત્યારે હવે કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં પણ કોંગ્રેસ પાર્ટી તૂટતી બચાવવામાં વ્યસ્ત બની છે.