મોરબી જિલ્લામાં સતત વરસાદ અને નદીઓમાં આવેલા તેજ પ્રવાહ વચ્ચે શનિવારે માળિયા મિયાણા અને વાંકાનેર તાલુકામાં ડૂબી જવાની બે અલગ-અલગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. આ બંને બનાવોમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે એક સાત વર્ષીય બાળકની શોધખોળ હજુ પણ ચાલુ છે.
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે શીરાનભાઈ કાતિયાર (ઉંમર આશરે 35 વર્ષ) પોતાના સાત વર્ષીય પુત્ર કાશીમ સાથે રિક્ષામાં મૈયતના કામે જઈ રહ્યા હતા. ડેમી નદીના કોઝવે પરથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ વધુ હોવાથી રિક્ષા તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ શીરાનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેમના પુત્ર કાશીમની શોધખોળ સમાચાર લખાય ત્યાં સુધી ચાલુ હતી.
બીજી તરફ માળિયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ગલાભાઈ નોવાભાઈ હડા (ઉંમર 42 વર્ષ) ઢોર ચરાવવા ગયા હતા ત્યારે પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. સ્થાનિકો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળિયા મિયાણા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે તાલુકા પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નદી, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.






